ગુજરાતી કવિતાઓ Gujarati Poems

ગુજરાતી કવિતાઓ

Gujarati Poems

માણો ગુજરાતી કવિતાઓ લખવાના શોખીન લોકો દ્વારા રચાયેલી કૃતિઓ. તમે પણ કવિતા લખવાના શોખીન હો તો share કરો. કવિતાઓ મોકલવા ઈમેઈલ કરો: advait_sys@hotmail.com

તુષાર અંજારિયાની રચનાઓ

વિરહમાં વૃંદાવન

નિરભ્ર નભ છે
ઝળહળતો સૂર્ય છે
કિરણોનું તેજ ક્યાં?

મંદ સમીર વહે છે
વન ઉપવન લહેરાય છે
મધુરી શીતળતા ક્યાં?

યમુનાનાં નીર છે
વમળો ઘૂમરાય છે
સ્મરણનાં સ્પંદન ક્યાં?

વૃક્ષ લતા મહેકાય છે
ફળફૂલ લચકાય છે
શીળી ફોરમ ક્યાં?

પહો ફાટે છે સાંજ ઢળે છે
પંખીનો કલરવ ક્યાં?
મયુરનું નર્તન ક્યાં?
ભ્રમરનું ગુંજન ક્યાં?

ધેનુનાં ધણ છે
ગોચર અપાર છે
ગોરજની સુવાસ ક્યાં?

તરવરિયા ગોપ છે
ગેડી દડો રમાય છે
યૌવનનો થનગાટ ક્યાં?

જોબનવંતી ગોપી છે
માથે ઈંઢોણી હેલ છે
કંકણનો રણકાર ક્યાં?

ઘમ્મર વલોણાં વલોવાય છે
દહીં, માખણ, મિસરી છે
અમરત મીઠાશ ક્યાં?

નંદ છે જશોદા છે
ફરી મિલનની આશ છે
અમી લોચને દૃષ્ટિ ક્યાં?
જિહ્વાએ વાચા ક્યાં?
જીવનનો શ્વાસ ક્યાં?

અલબેલી રાધા છે
ધરબાયેલી પ્રીત છે
ગાલોની લાલી ક્યાં?
હોઠોંની ભીનાશ ક્યાં?
હૈયાની ધડકન ક્યાં?

ગોકુળ છે વૃંદાવન છે
ધરતી રસાળ છે
રસનો સ્વામી ક્યાં?

કોક અચાનક આવી ને ગયું
વેણુ સૂર રેલાવી ગયું
હૈયાં સૌનાં હરી ગયું
જીવ સૌ નિશ્ચેતન થયા
આતમ ક્યાં? આતમ ક્યાં?

તુષાર અંજારિયા, સપ્ટેમ્બર ૨૦૧૯

મા નર્મદા પ્રશસ્તિ

નર્મદે હર!
પ્રાત:કાળે ભાસ્કર અર્ચિત તુષાર પૂજીત ધીર ગંભીર માતા
સાનિધ્યે તારા સૌ જીવ નિર્ભય તું સૌની ભાગ્યવિધાતા
મધ્યાહને સૌંદર્યમયી રૂમઝૂમતી નવ યૌવના
તારા કોમળ ચરણોમાં કોટી કોટી વંદના
સાયંકાળે સૂર્યદેવ ચરણ પખાળી કરે સ્તુતિ
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે
રાતે તું ઉછળતી રેવન્તી બાળલક્ષ્મી મા રેવા
તારા આશિષ પામે તેને દુ:ખ દારિદ્રય કેવાં?
ઘાટ ઘાટ તીર્થધામ પાપ તાપ હારિણી
રાષ્ટ્રની ધરોહરી સકળ ભવતારિણી
ધર્મ રક્ષક સંસ્કૃતિ તારક શાશ્વતી યશસ્વી
યુગે યુગે આત્માનંદે થાય તારી પ્રશસ્તિ

તુષાર અંજારિયા
મા નર્મદા લઘુ પરિક્રમા નારેશ્વર થી ગરૂડેશ્વર
૨૯ ડિસેમ્બર ૨૦૨૪ - ૪ જાન્યુઆરી ૨૦૨૫

મહાકુંભ મહિમા

હર હર મહાદેવ! હર હર ગંગે નમામિ ગંગે!

મહાદેવના વિષપાનની અમૃત પ્રસાદી છે કુંભ
શંકરાચાર્યની દૂરંદેશીના આશીર્વાદ છે કુંભ
સનાતન ધર્મની આસ્થા છે કુંભ
શ્રદ્ધા, સંયમ, શિસ્તની ત્રિવેણી છે કુંભ
કલ્પવાસીઓની તપશ્ચર્યા છે કુંભ
વિપ્લવ લડતનો સાક્ષી છે કુંભ
સ્વતંત્રતા સંગ્રામનો સાથી છે કુંભ
સમયાંતરે સ્વરૂપ બદલે છે કુંભ
વિવિધતામાં એકતાનું પ્રતિક છે કુંભ
સૌને જોડતો સમાનતાનો સેતુ છે કુંભ
રાષ્ટ્રીય સંસ્કૃતિની ધરોહર છે કુંભ
સનાતની તાકાતનો સંદેશ છે કુંભ
સનાતન રહેશે ધર્મ સનાતન રહેશે કુંભ

તુષાર અંજારિયા
મહાકુંભ પ્રયાગરાજ 13.02.2025

ખોવાઈ જવાય છે...

ઉષા-સંધ્યાની ભાત જોઈ ખોવાઈ જવાય છે
આરતીનો ઘંટારવ સાંભળી ખોવાઈ જવાય છે
પંખીઓનો કલરવ સાંભળી ખોવાઈ જવાય છે
સાગર નીરમાં આથમતો સુરજ જોઈ ખોવાઈ જવાય છે
વિશાળ ફેલાયેલ ચાંદની જોઈ ખોવાઈ જવાય છે
નીરવ રાત્રીમાં તમરાં સાંભળી ખોવાઈ જવાય છે
વાદળ વચ્ચે તારા જોઈ ખોવાઈ જવાય છે
હેમંત સવારે કુણો તડકો લઇ ખોવાઈ જવાય છે
બળતા ગ્રીષ્મે મીઠી લહેરખીથી ખોવાઈ જવાય છે
વર્ષાની મીઠી સોડમ લઇ ખોવાઈ જવાય છે
પાનખરે વૃક્ષોની ખુમારી જોઈ ખોવાઈ જવાય છે
વસંતમાં ફૂલોનો વિલાસ જોઈ ખોવાઈ જવાય છે
બાળકનો ખિલખિલાટ જોઈ ખોવાઈ જવાય છે
સ્વને શોધવા જતાં ખબર નહીં ક્યાં પણ ખોવાઈ જવાય છે

જીરવાઈ જાય છે

નિષ્ફળતાની થપાટો સમય સરતાં જીરવાઈ જાય છે
વિરહની વેદનાઓ નવા સંગાથે જીરવાઈ જાય છે
ભવિષ્યની સોણલી આશામાં ભૂતની ભયાનકતા જીરવાઈ જાય છે
દુઃખનું ઓષડ દહાડા, આંસુ સુકાઈ જાય છે
ગમે તેવો વજ્રઘાત પણ જીરવાઈ જાય છે
કાળ ચક્કરમાં અફળાતું આયખું બસ આમ જીરવાઈ જાય છે

હોવું જોઈએ
કમાણી કરવા એક સારી ડીગ્રી હોવી જોઈએ
ભવસાગર તરવા એક સુશીલ સંગીની હોવી જોઈએ
એક નુર આદમી હજાર નુર ટીપટાપ, સારો શણગાર હોવો જોઈએ
ભાડાના મકાનમાં રહેવાય? ઘરનું ઘર હોવું જોઈએ
ધૂળ-ધુમાડામાં ફરાય? વિકએન્ડ માણવા એક ગાડી હોવી જોઈએ
કુટુંબને રાજી કર્યું, દુનિયાને આંજી દીધી
ખુદને કદી પૂછ્યું? તારે શું હોવું જોઈએ?

પ્રભુનાં દર્શનીયાં
એક દિ વાવડ ફેલાયા કે આજ પ્રભુ ખુદ દર્શનીયાં દેશે
સંધ્યા આરતી બાદ હરિ સ્વયં પ્રગટ થશે
મંદિર બહાર હકડેઠઠ મહેરામણ, ધક્કામુક્કી
આરતી થતાં સૌ નજર મંદિર ભણી
એવામાં એક ભિખારણ ક્યાંકથી ટપકી પડી
હાથમાં નાગું પુગું મેલું ભૂખ્યું છોકરું
અચાનક એણે ભેંકડો તાણ્યો
હો-હા મચી ગઈ: "અરે આને કાઢો અહીંથી"
ધક્કે ચઢાવી બાઈને બહાર ધકેલી
ધક્કામાં હું પણ બહાર ફેંકાયો
આરતી પૂરી થઈ, સન્નાટો છવાયો
પેલું નાગું પુગું મંદ મીઠું હસતું હતું
હું વિચારી ઉઠ્યો, "ક્યાંક તો???"

ચહેરાની કિતાબ
ચહેરાની કિતાબ તો ખોલી નાંખી, દિલનું પાનું વાંચ્યું કદી?
બેશુમાર મિત્રો મેળવી લીધા, કોઈને પોતીકું ગણ્યું કદી?
દીવાલ સરસ સજાવી દીધી, માંહ્યલાની દીવાલ રંગી કદી?
કોમેન્ટ્સનો વાદવિવાદ ઘણો થયો, સાચી સમજ મેળવી કદી?
મસ્કાની લાઇક ઘણી મળી, સ્વનું મૂલ્યાંકન કર્યું કદી?
ટેકનોલોજી તો એક દોરડું છે
સમજીને વાપરીશ તો હિંચકો નહીંતર ફાંસીનો ફંદો છે

ઓછા પડ્યા

તમે તો સમંદર ઉલેચી વરસાવ્યા મેહ,
અમને વાદળદળ ઓછા પડ્યા
તમે તો પોઠ ભરી મોકલ્યા સ્નેહ,
અમને કાફલા ઓછા પડ્યા
તમે તો પુષ્પો મહેકાવી દીધા,
અમને મધુવન ઓછા પડ્યા
તમે તો તારલાથી ભરી દીધું આકાશ,
અમને નઝારા ઓછા પડ્યા
મોક્ષની અહીં કોને પડી છે?
તારી કૃપા પામવા અમને જન્મોના ફેરા ઓછા પડ્યા

જગતભરની માને સમર્પિત...
પ્રત્યેકના જીવનમાં આવું બન્યું હોય એની "ગેરંટી"

મા ફોટો બની ગઈ?

મા કેવું કેવું બનતી મને હસાવવા, ફોસલાવવા?
રોજ નીત નવી વાર્તાઓનું પાત્ર બની જતી
ક્યારેક મા પરી બની સ્વપ્ન વિહાર કરાવતી
ક્યારેક જોકર બની હસાવતી
તો ક્યારેક વાઘ બની હાઉ કરતી
કોઈ વાર તો ચાદર ઓઢી લઇ ભૂત પણ બનતી!
હું માનતો કે મા બધું બની શકે છે
મોટો થયો ત્યારે
નિરાશાઓમાં આશા બનતી ને નિષ્ફળતાઓમાં હિંમત
સઘળું કાંઈ બની શકતી મા
અચાનક એક દિવસ "ફોટો બની ગઈ"
પ્રેમની મૂર્તિ સમાઈ ગઈ x ની ફ્રેમમાં?
ઢંઢોળો સ્મૃતિ, ફંફોળો યાદો
મળશે જરૂર હર પળની સંગાથમાં


યાદો વાગોળતું વૃક્ષ!

અસ્તાચળે એક વૃક્ષ ભૂતકાળ વાગોળી રહ્યું છે
અહા, કેવા હતા એ દિવસો હર્યા ભર્યા!

કિલ્લોલ કરતાં એ ભુલકાંઓ
ગાતાં, રમતાં, મસ્તી કરતાં
મારે પણ બાળપણ હતું!
કુમળું થડિયું, મજાનાં ફૂલ, પતંગિયાંની ઉડાઉડ

બેફીકરા કિશોરોની ધીંગામસ્તી
મારી છાયામાં વિરામતી રખડપટ્ટી
મને પણ પ્રતીક્ષા રહેતી એ અલગારીઓની
મારા મજબુત બાંધા પર થતી કૂદાકૂદની

છાના છપના મળતા પેલા યુવા પંખીડાઓ
મીઠી શરારતો, ઠાલું શરમાવું
કેટલાય સ્વપનો જુટતા અને તુટતા મેં જોયા
મારેય મહેકતી વસંત હતી
કેટલાયે પંખી અહીં વસી ગયા

પનીહારીઓના ઝાંઝરનો ઝણકાર
નિત નવાં નખરાં ને ખીખીયારીઓ
ગામ આખાની કુથલી મેં કરી છે

ધ્રુજતા બોખા અદાઓનો અડ્ડો
અલકમલકની વાતો અને ગામ ગપાટા
કેટલીયે જીન્દગી વિશ્રામતી મેં જોઈ છે

હવે...
હવે અહીં કોઈ ઢુંકતું નથી
મારી સામે કોઈ જોતું નથી

ક્યાં ગયાં પેલાં ટાબરિયાંઓ?
પેલા રખડતા છોકરાઓ?
પેલાં સ્વપ્નીલ હૈયાંઓ?
પેલી અલ્હડ હરખઘેલીઓ?
ચાસ પડેલા પેલા ભાભાઓ?

કોરાણે મુકાયેલા મારી વાત પણ સાંભળો...
ભલે હું ઠુંઠું થડિયું કહેવાઉં
મારામાં ઝાડ હજી જાગે
જીવતરની આશ મને લાગે


મંદિરમાં

બાળપણમાં ઠુમ્મકતો મંદિરે જતો
વિસ્ફારિત નેત્રે એ વિશ્વ જોતો
ગર્વિષ્ઠ પોઠીયો અને સંયમી કાચબો
મહાદેવનું લિંગ અને પાછળ મા
ડાબે જમણે દાદા ગણેશ ને હનુમાન

મૂર્તિઓ અને ફોટાઓમાંના એ ભગવાનો!
હાથ જોડી જોડી પગે લાગ્યા કરતો
ટણણણ ઘંટારવ અને આરતીની અર્ચા
નનકાશા ખોબામાં લેતો પ્રસાદ

કિશોર થયો અને ડહાપણ પ્રગટ્યું
આમ મંદિરમાં તે હોય કાંઈ ભગવાન?
સાબિતી માંગતો એ પરમેશ્વરની
સવાલો કરતો એ પુર્ણેશ્વરના
સ્થાન પૂછતો એ સર્વવ્યાપીનું
યુવ વયમાં તો મંદિર ભૂલી જ ગયો

હવે...મંદિર તો જાઉં છું
નત મસ્તક ઉભો રહું છું
સવાલો કદાચ શમી ગયા છે
પણ શાંતિ પામવા મથી રહ્યો છું

બાળપણના ભોળપણમાં રચાતું મુજ-નિજનું "અદ્વૈત"
હવે સગુણ-નિર્ગુણની માયામાં ક્યાંક ખોવાઈ ગયું છે


અધુરપ (જે છે તેનાથી વધારે મેળવવાની લાલચ)

કૃષ્ણા પણ હારી ચુક્યા પાંડવરાજ
હવે તો સોગઠાંબાજી પૂરી કરો
મંગળાની ઝાલર પણ બજી ચુકી
હવે તો મહેફિલ પૂરી કરો
નિંદા કુંથલીમાં વીત્યો સંસાર
હવે તો હુંસાતુંસી પૂરી કરો
જરા સામે દેખાતું મોત
હવે તો લાલસા દોડ પૂરી કરો
સ્વાર્થમાં ભૂલ્યા સ્વને
હવે તો પરમાર્થ શરુ કરો
આયખું આમ જ વીતી ગયું
હવે તો પ્રેમની બાજી શરુ કરો!


ઉઘાડ

અનરાધાર હેલી પછી થયો ધીમે ધીમે ઉઘાડ
જાણે સજીવોને મળ્યો નવજીવનનો ઉપહાર

ભીના લથબથ વૃક્ષોને તડકો સુકવી રહ્યો
વૃક્ષો આટલા લીલાછમ્મ કદાચ ક્યારેય ન લાગતા

પક્ષીઓનો કલબલાટ તૃણ ચરતા પશુઓ
આટલા આનંદમાં કદાચ ક્યારેય ન લાગતા

ધોવાઇને નિર્મળ પ્રકાશિત થયેલું આકાશ
આટલું સ્વચ્છ કદાચ ક્યારેય ન લાગતું

રાત્રી નભમાં ટમટમતા તારલા
આટલા તેજોમય કદાચ ક્યારેય ન લાગતા

દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં તમરાંઓનું ગાન
આટલું સંગીતમય કદાચ ક્યારેય ન લાગતું

ઋતુચક્ર હોય કે જીવનચક્ર

જરૂર છે ફક્ત પ્રતીક્ષાની
ઘેરાં વાદળો પછેટે હોય જ ઉઘાડ
અને મન અનુભવવા લાગે
અહા! જગત આટલું સુંદર કદાચ ક્યારેય ન લાગતું

સંબંધ બાગ સાથેનો

એના માત પિતા આ બાગમાં આવતા
એના અવતરવાના સપનાં જોતા
પણે પેલા ઝાડ નીચે સ્તો

એના આગમન ટાણે પેંડા વહેંચાયા
પણે પેલા ઝાડ નીચે સ્તો

પછી તો એ પણ ડગુમગુ બાગમાં આવતો
હિંચકા ઉપર હિંચાહીંચ અને લપસણીમાં લસરવું
નાના મોટા ઝાડ ઉપર કૂદાકૂદ

પ્રકૃતિની ઓળખ એને અહીં જ થઇ
પંખીઓનો કલરવ
અને ફૂલ છોડની સંગત

મિત્રો સાથે એ અહીં આવી બેસતો
જુસ્સા ભરી ચર્ચાઓ કરતો

અને પેલી...
એની સાથેની મુલાકાતો અહીં જ થતી
પણે પેલા ઝાડ નીચે સ્તો

પછી એના દીકરા દીકરીને અહીં લાવતો
એના શૈશવને સંભારતો

સમય વીતતાં એ અહીં સ્વાસ્થ્ય માટે આવતો
રોજ બાગમાં પાંચ ચક્કર લગાવતો

પાછલી અવસ્થામાં એ વડીલ મંડળીમાં બેસતો
પણે પેલા ઝાડ નીચે સ્તો
એના પોતા પોતી નાતા નાતીને જોતો

એને લઇ જતી વાહિની સ્હેજ રોકાઈ ઝાંપા પાસે
બાગે એના અંતિમ દર્શન કર્યાં

વડીલ મંડળીએ એની શોકસભા કરી
પણે પેલા ઝાડ નીચે સ્તો

બાગને એની પ્રતીક્ષા છે

ક્યારે, કયા સ્વરૂપે એ આવશે?

"ખાસ" લાઈક

સોણલા સોળ થયા
ને એણે એક રોમેન્ટિક કાવ્ય લખ્યું
ફેસબુકમાં અપડેટ કર્યું એક "ખાસ" લાઈક પામવા
પણ એ લાઈક એને ન મળી
પછી તો સંસાર સાગરમાં ડૂબી ગયો
કેરિયર, પૈસા, પત્ની, બાળકો
સોળમાંથી સાહીઠ ક્યાં થયા એ ખબરેય ના પડી
એણે પેલું કાવ્ય અપડેટ કર્યું
સાહીઠે સોળની સ્મૃતિ વાગોળી
અસંખ્ય લાઈક મળી
અને એમાં એક લાઈક મળી જે સોળે "ખાસ" હતી...


મારું ગામડું ક્યાંક ખોવાણું

વરસોના વ્હાણા વાયા
ને થયું લાવ મારું ગામ જોઈ આવું
ધૂળિયા મારગની રેત માથે ચડાવવી’તી 
પણ ત્યાં તો કોન્ક્રીટ રોડ!
કુવે પનિહારીઓની ઝલક લેવી’તી
પણ ઘેર ઘેર આર ઓ પ્લાન્ટ!
સવારે વલોણા ઘંટી સાંભળવા’તા
પણ બધે તૈયાર માલ ની જ વાત!
ચોરે બેસી ગપ્પાં મારવા’તા
ત્યાં પણ મોબાઈલ ની જ ભરમાર!
સરિતા જળમાં ધુબકા મારવા’તા
પણ ત્યાં ચેક ડેમ બંધિયાર!
સીમની વાડી એ ફળ ખાવાં’તા
પણ ત્યાંય ફળોનો વેપાર!
ગામની ઓળખ ક્યાં છુપાણી?
કાવ્ય, નિબંધ, કેનવાસમાં જ સચવાણી?
વિકાસની લ્હાયમાં મારું ગામડું ક્યાંક ખોવાણું
સ્માર્ટ સીટીની સ્માર્ટ એપમાં સમાણું

નિશાળે જતી દીકરી*

હેતી! મારી બેટડી! આવજે, આવજે
નેહાળે જઈ બવ બવ ભણજે
શીખજે વોંચતા રૂડા રામ શામ
હંભળાવજે મુને ઈમના કામ
શીખજે લખતોં તારું નામ
પછાળે લખાશે મારું ય નામ
વે’ણી વે’ણી આલીશ મીઠાં બોર
હખીઓ હંગાથે કરજે કલસોર
અલાઈશ શેન્ડલ, નવું ફરાક
દેખાઇશ તું એકદમ ચબરાક
હેતી! ભણી ગણીને મે'તી થજે
બવ બધાને વિદયા દેજે

* એક દિવસ સરકારી શાળા પાસેથી પસાર થતાં જોયું કે એક સાવ ગરીબ (અને કદાચ અભણ પણ) લારીવાળો એની દીકરીને શાળામાં જતી જોઈ હરખ હરખ થતો હતો. એની લારીમાં ફળ પણ સાવ નંખાઈ ગયેલા હતા એટલે એ કદાચ ગરીબ લત્તામાં જ એના ફળો વેંચતો હશે. હાઈ ફાઈ શાળાઓમાં ભણતી સુંદર પરીઓના ડેડી એને કારમાં કે બાઈક પર મુકવા જતા હોય અને સંભવત: પરદેશમાં  એના ઉચ્ચ અભ્યાસના સપના જોતા હોય. મને વિચાર આવ્યો કે આ ગરીબ લારીવાળો બાપ એની નાનકી દીકરીને શાળાએ જતાં જોઈ શું વિચારીને આટલો હરખાતો હશે? એ કલ્પના કરીને આ કાવ્ય લખ્યું.

અડધી સદી એ...

અડધી સદીને સ્પર્શતાં રચાયું યાદોનું વૃંદાવન
કેટલું બધું નસીબવંત રહ્યું જીવન કવન

પ્રભુ સમ પ્રેમાળ માત પિતા મળ્યા
સ્વર્ગ સમ મળ્યો ભારત દેશ

સ્નેહાળ કુટુંબની હુંફ મળી
જીગરના જાન મળ્યા દોસ્ત

શૈશવ તો માણ્યું ભરપુર
નિત નવી રમતો વિધ વિધ સ્પર્ધાઓ

યૌવનને પણ લડાવ્યાં લાડ
કરવા મનોરથો સાકાર

મળ્યા વાત્સલ્યમૂર્તિ ગુરુ જનો
સુચરિત્ર ઘડ્યું શાળાએ
આપ્યો આત્મવિશ્વાસ મહાશાળાએ

દેશ પરદેશના લોક સાથે
માણ્યું વસુધૈવ કુટુમ્બકમ

રેડિયો ટપાલ ટીવીની દુનિયા
આંગળીના ટેરવે આવી વસી ગઈ

સુવર્ણજયંતીએ સોહતું જીવન
મળ્યું એનો પરમાનંદ

મળશે એનું સુસ્વાગતમ!

વન પ્રવેશે

સુવર્ણ મઢ્યા થયા પચાસ
અને લ્યો કર્યો વન પ્રવેશ

વય ગણના તો કાયાને
પણ મનના અનોખા વેશ

શ્વેત લટોમાં જોઉં ઝુલ્ફું કાળું વાંકડિયું
રાખીશ મુજમાં રમતું શૈશવ મીઠું ગમતીલું

કદીક લાગતા થાકમાં થતી દોડાદોડ
કિશોરનો તરવરાટ રાખીશ હાડોહાડ

મુસીબતોના વિચાર વમળમાં જુસ્સાનો સંચાર
મનની યુવાની રહેશે સદા બહાર

સમાજે આટ આટલું આપી દીધું
ઋણ એનું ચુકવવું જ રહ્યું

આ મુકામે આગળ કેટલો પંથ નથી ખબર
પરંતુ પ્રતિ ક્ષણ રહીશ નફકર

કેશવ સંગે ખાંડવવન બનતું જો ઇન્દ્રપ્રસ્થ

તો બનાવીશ મુજ જીવન સ્વર્ગપ્રસ્થ


સી. એન. વિદ્યાવિહારમાં ૧૯૭૫ - ૧૯૭૮ દરમ્યાન ધો. ૫-૮ ભણતા એક બાળકે લખેલી કેટલીક કવિતાઓ...

ફૂલછાબના બાળ સાપ્તાહિક ફૂલવાડીમાં હું નિયમિતપણે કવિતાઓ, વાર્તાઓ, ટુચકાઓ, જોડકણા, ઉખાણા, નાટક, શબ્દોની કરામત જેવી અનેક રચનાઓ મોકલતો.

ઘણા બાળ વાંચકો મારા નામથી મને ઓળખતા હતા.

બાળપણમાં લખેલી મારી કેટલીક કવિતાઓ અહીં આપું છું.

- તુષાર અંજારિયા

ચગડોળની મજા

ભમમમ ભમમમ કરતું ચાલ્યું ચગડોળ
ઊંટ, હાથી, ઘોડા અને સિંહ કરતા એમાં દોડદોડ
સિંહના સવાર ટીનુભાઈ તો લાગે છે રાજા જેવા
કેડે રોફથી તલવાર ભીડી નીકળ્યા રાજની સંભાળ લેવા
ઘોડા પર ટીનીબેન બિરાજ્યાં
સૌ વાત માટે એ કરતાં કજીયા
સૌ ઉપર રોફ જમાવી ખાતા એ તો તાજા મેવા
ધીમાં ચિંકીબેન હાથી પર બેઠાં
ગીતડાં ગાય કોયલ સાં મીઠાં
હાથીની જેમ ચાલ ધીમી
ચિંકીબેનની વાણી છે ઝીણી
એક બીજાની પાછળ દોડી ધીંગા મસ્તી કરતાં ચાલ્યાં
આમ સર્વે બાળકો ચગડોળ ઉપર મઝેથી મહાલ્યાં
આ રમત જોઈ સૌને વહાલાં લાગી ગયાં આ કાલાંકાલાં

(એ વખતે મેં આને રૂપક કાવ્ય એવું લખી મોકલ્યું હતું...)

ટરટર

એક હતું હેલીકોપ્ટર
એમાં બેઠા એક ઇન્સ્પેકટર
એમને ઘેર એક મોટર
એ તો જાણે ટ્રેક્ટર
ચાલે ત્યારે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતા કલેકટર
એમનું ખેતર બાર હેક્ટર
એમાં એક ટ્રેક્ટર
ચાલે ત્યારે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતા ડોક્ટર
તેમની પાસે એક સ્કુટર
તેમાં પેટ્રોલ ૧૦ લીટર
કાપે અંતર ૧૨ કીમીટર
૧૩માં કીમીટરે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતું કવાટર
એમાં રહે એક રાઈટર
એમની પાસે એક લાઈટર
સળગાવતાં થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટરએક હતા ડોક્ટર
તેમની પાસે એક સ્કુટર
તેમાં પેટ્રોલ ૧૦ લીટર
કાપે અંતર ૧૨ કીમીટર
૧૩માં કીમીટરે થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર
એક હતું કવાટર
એમાં રહે એક રાઈટર
એમની પાસે એક લાઈટર
સળગાવતાં થાય ટરટર
જયાં જુઓ ત્યાં ટરટર

સુખી કુટુંબ

એક રળિયામણું ગામનું પાદર
ત્યાં છે કાનુભાનું ખેતર
ખેતરમાં મહાલે છે ડૂંડા મજાના
જાણેકે હીરા મોતીના ખજાના
ખેતરને આડે કંટક વાડ
જાણે લશ્કરના સૈનિકની ઢાલ
હવે આવ્યો છે ઉનાળો મજાનો
સાથે લાવ્યો છે કેરીનો ખજાનો
આંબે આંબે કેરી ઉગી છે
ખેડૂતનું કુટુંબ ઘણું સુખી છે
ઉનાળો જતાં ચોમાસું આવ્યું
સાથે ડાંગર ને શેરડી લાવ્યું
શેરડી તો મધ જેવી મીઠી
એવી શેરડી મેં ક્યાંય ન દીઠી
ચોમાસું જતાં શિયાળો આવ્યો
સાથે ઘઉંનો પાક લાવ્યો
ઘઉં વિના સૌ જન ઉદાસ
એનો ઉપયોગ તો થાય બારેમાસ
ખેતરમાં ઉગે સૌ પાક મબલખ
કાનુભાને કોઈ વાતનું ન દખ

હેલી

આ ચાર દિવસથી થાય વરસાદની હેલી
પનિહારીઓ અને ભેંસો થાય છે ઘેલી
વરસાદથી પાણીના નીતરે છે રેલા
ખેડૂતો એથી થાય છે ઘેલા
બાળકો એમાં ન્હાય છે ચોકખાં ને મેલાં
ખેડૂતો એને આપે છે ઘણું માન
છતાં હવે એને ચડ્યું છે તાન
વરસાદથી ગામડાંઓ થયા છે નષ્ટ
એથી જન સમુદાયને વેઠવું પડે છે કષ્ટ
હે વરસાદ, હવે ન કર અતિવૃષ્ટિ
માનવીઓ ઉપર નાખ દયા દ્રષ્ટિ

વરસ્યો મેઘ મુશળધાર

પાનખરમાં બાવળે બેસી બોલ્યો નર કોયલ,
એવે ટાણે શેરીઓમાં થતો હતો કોલાહલ

ખબર નહીં કેમ પણ આ કાવ્યની આ બે જ પંક્તિ લખી અને આગળ ન લખ્યું...

English Poem!!!

My Plan to Go on Moon!!!

I am having conversation with my friend –
(Pardon for English of my middle school days studying in Gujarati medium)

“Lets go on the Moon
I am making preparation Soon”
 “To go there, we should have a Yan”
“Don’t worry. I have made a Plan”
I told him my plan, he jumped with Joy
Because he was then just a Boy
With this plan, I can Go Any Where
But
I will not tell you
Else you will also go There!!!

જયેશ પટેલની રચના:

મારા-તમારા મહાભારતો

કોણ કહે છે મહાભારતનું યુદ્ધ ફક્ત કુરુક્ષેત્ર સુધી સીમિત હતું?
આજે પણ સેંકડો યુદ્વ ચાલુ છે મારામાં, તમારામાં, અહીં આસપાસમાં જ.

કોણ ના-સમજ સમજે છે કે કુરુક્ષેત્રમાં જ મહાભારતનું યુદ્ધ પૂરું  થયું હતુ?
કોણે એ અફવા ફેલાવી છે કે યુદ્ધમાં અંતે તો સત્ય જ જીતે છે?

દેશ અને ડૉલર વચ્ચેનું મહાભારત આજે પણ ચાલું છે મારામાં, મારી આસપાસમાં,  
સત્યમાં અહીં કોઇ જોર નથી; કૌરવો આવા સેંકડો યુદ્ધમાં અહીં  જીત્યા કરે છે!

પતિ/પત્ની અને પૅરેન્ટ્સ, આ સેંકડો મહાભારતો  હજુ છે અહીં, તહીં, સર્વત્ર,
મારા-તમારામાં કંઇ દમ નથી; પાંડવો અહીં હજુ આજેય હાર્યા જ કરે છે.

માનવ-જીવનનો ઉદ્દેશ અને પૈસા પાછળની દોડ- આ મુંઝવણો ચાલું જ છે.
હૃદય પાસે કાંઇ બચ્યું નથી; મગજ (બુધ્ધી) બસ સતત ભટ્કાવ્યા કરે છે!

મારી-તમારી-બીજાની જિંદગી એને  વસ્તુઓ , તુલનાઓનું નાહકનું આ મહાભારત,
મારું પોતાનુ કોઇ સુખ નથી; બીજાનું દુ:ખ એ મારુ સુખ, અને એનું સુખ એ મારુ દુઃખ।

સંબંધોના સમંદરમા, ’હું સાચો- તું ખોટો’ ના આ સતત ચાલતા મહાભારત સંગ્રામમાં,
કંઇ બોલું તો વિવાદ વધે છે; ચૂપ રહું તો વલોવાયા કરું છું; અર્જુન છું પણ કૃષ્ણ નથી મારી સાથે.

કૃષ્ણ-અર્જુનવાળું એ મહાભારત કુરુક્ષેત્રમાં શરું થઇ ત્યાં જ થયું સમ્પન્ન સત્યના વિજય સાથે,
મારા-તમારા આ સતત ચાલ્યા કરતા મહાભારતોમાં આ અર્જુનોને કૃષ્ણ શું ક્યારેય નહીં મળે?

શ્રી.દિપકભાઈ બુચની કવિતાઓ
આપણે છીએ તેવા દેખાવા શું કરવાનું આપણે?...
     કાંઈ નહીં....
આપણે છીએ તેવા દેખાવા શું કરવું પડે?
    ઘણું બધું....!!!

.અખિલ ભારતમાં એક તું હળી-મળી,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં ટેવ તું, સ્હેજમાં તત્વ તું,
અન્યમાં ડૂચો થઇ વાસ મારે;
થૂંક તું, પિચકારી તું, ગંદકી તું ગોબરા,
ઢગ થઇ ફૂલી રહ્યો તરાપે;
ફોટામાં ખોજતું, ખોજ-મા ફોટોતું,
જોઉં વ્હોટસએપ તણો, એજ પાસે;
મેદ(ની) તો એમ વદે, ફેંકી-ફેંકી સાથ દે,
સાવરણો-સાવરણી ફર્યા પછી, કામ-કાજ જૂજવાં,
અંતે તો કચરાનો કચરો થાયે;
વાળે દીપક”,  એ જાત-મહેનત જોડાતાં,
સ્વ-પ્રયત્ને, સર્વ સહયોગથી સાફ થાશે....!!!!    


૨) નડમાં,  “અડમાં કોઈને,   (અડ=લડ)
 જીવ,   જીવન ન જોઈને;
આવે જેવું,   તેવું પોંખ રે,
શણગાર્યું તો,   બધું ખાખ રે;
વહેવા દે,   બે કાંઠે તેને,
બંધનથી,   ન રોક તેને.   

આવી ગઈ, દિવાળી........

....લઈ લ્યો....રંગ,
રાતા-પીળા ને વાદળી
પાડતી સાદ રસ્તે ભાળી, કુમળી શી પત્ની , દુર્બળ ભોળી,
હિંચતી લારી નીચે બાળ પંપાળી;...
ન જાણતી, થશે રંગ-બે-રંગી રંગોળી,
ઊભીતી રંગ મધ્યે એક બેરંગીરંગોળી,
"
આવી"-- ગઈ .... (તેની).....દિવાળી........



" પ્રાર્થું, હે પ્રભુ જ્યારે તુજને,
દેજે હૃદયમહીંથી અશ્રુ મુજને..."



"રાખવું યાદ, કેટલું અઘરું છે !
ભુલવું બાદ, કેટલું સહેલું છે!!
રાખજો યાદ, સાથ-સંગાથ;સૌના,
ભુલજો હાર્દ, વાદ-વિવાદ;સૌના,
રાઈનો પર્વત “ કરજો, ઉપકારનો,
વાઘનો કાગ” કરજો, અપકારનો."
ન નિરાંતે ......
જાગતા ને ઊઠતા,
બેસતા ને સુતા,
ખાતા ને પીતા,
આવતા ને જાતા,
જોઈ બધા માણસોને,
થાય છે કે.....
આ તો શહેરો છે કે પાગલખાના ?!

કહે છે-“ છે તલવારની ધાર,પહોંચતા મંઝીલ સુધી”,
જોયા તેથી, કૈક-કેટલાયને, ગબડતા, કબર સુધી !

શમી જાય છે...!!!
હાકલ-પડકારા થાય છે ઘણાં ,
પણ પડઘા જ પડ્યા કરે છે, ને
શિક્ષણ ” બધું શમી જાય છે !
નથી યાદ રહેતું “, ફરિયાદ છે બધાની;
પણ રામમોહનરાયના કે બેન્ટીકના સુધારા ગોખાવામાં,
યાદશક્તિ ” શમી જાય છે !
નથી બન્યા મતદાર હજી, પણ ઘારાસભા-સંસદના
નીતિ નિયમો કે ઈતિહાસની તારીખ-તવારીખો મગજમાં ઠાસવામાં,
કાર્યશક્તિ “ શમી જાય છે !
ને વળી, જીવન આરંભાયું છે ત્યાં
મારું જીવન અંજલી થજો “, સમજવામાં,
સમજણ “ બધી શમી જાય છે !
ખ્યાલમાં આવે અમને “પ્રાઈમરી” ઓને ભણાવતા-ભણાવતા, ને
વિચારો “ બધા શમી જાય છે !!


10)
થાઉં કળીમાંથી ફુલ, ઘણું સારું;
પ્રસારાવું સુગંધ તો અતિ ઉત્તમ...
થાઉં બીજમાંથી છોડ, ઘણું સારું;
પ્રસરીને થાઉં વટવૃક્ષ તો અતિ ઉત્તમ...
થાઉં જન્મથી માણસ, ઘણું સારું,
વિકાસીને થાઉં માનવ તો અતિ ઉત્તમ....!

દિપક બુચ (deepy), 24-07-2016.

11)
થઇ વરાળ,ગયા હોત છૂટી; પણ ના, કિરણોને ભેદી;
રચી સપ્તરંગી મેઘધનુષ થકી કમાન એક મસમોટી...!

દિપક બુચ (deepy) 25/07/2016.

12)
પંક્તિઓ તો પ્રસરે તેમ ફોરે, શું કરું રાખીને પસ્તીની કોરે?!!
દિપક બુચ(deepy) 26/07/2016.

" હૃદયનું પાંચમું ખાનું, કરે સંગ્રહ કૈંક છાનુંમાનું...!"

દિપક બુચ, 26/07/2016.

"અતિ ઊંડાણે હૃદયમાં, હોય છે એક ઈચ્છા; ટૂંટિયું વાળી;
ચિતાની ધૂમ્રસેરમાં, ઉઠે છે ગગનમાં; બળીને કાળી.."
દિપક બુચ, 26/07/2016.

13)
"કરું દોડાદોડ ને નાખું ઉધામાં, વિચારોનું વાલોણું ને રહું દ્વિધામાં;
સોય જેવી ઝીણી-તીણી શંકા, ને બાળે છે ભડભડ આખી લંકા;
દીધાં મગજ મઝાના બે છત્તા, મન તો કર્યા કરે છે પાનાં ઊંધા ચત્તા;
જરા ઠાવકો બેસીને તો વિચારું, સદાય ધાર્યું થાય છે ધણીનું-તારું...."
દિપક બુચ (deepy), 28/07/2016.

" સ્વયં કૃષ્ણે કહ્યું છે નાથવું મનને નથી સહેલું,
રચાયો ઇતિહાસ તેથી જ સ્તો મહાભારતનો....!
ઇતિહાસને કાંગરે, બાંધવો રસ્તો, એ નથી સહેલું,
રચાયા કરે છે તેથી જ સ્તો  ઇતિહાસ અવનવો...!!"
દિપક બુચ, (deepy), 28/07/2016.


English Poem

It's not You, that mould the Day,
It's HE, who moulds the Day,

Behold the Hardwork,
Behold the Patience,
Behold the Trust;

Be free of the Worries,
Be free of the Tensions,
Be free of the Results;

Have a great Faith in You,
Have a great Faith in Time,
Have a great Faith in the Energy;

It's not You that mould the Day,
It's HE who moulds the Day...!!

શ્રી.જગદીશ સોનીની કવિતાઓ

.
ચુંટણી આવી......
ચુંટણી આવી, નમન વધ્યા,
            સર્વત્ર દ્રષ્ટિ માં પડે ગાંધીયુગ
બિચારા પ્રજાજનો ના સમજે
            છે સરાસર જુઠ
પ્રજાજનો બને મતદારો ,
જાણે જાગીરદારો
જ્યાં ત્યાં નેતાઓમાં વિવેક દેખાય
મત માંગે જાણે ભીખારી
ગામ ફરે શહેર ફરે મોટરકારમાં
સાથે હોય મવાલી
સભા ભરે સંબોધન કરે
વચન આપે વગર વિચારે
પ્રજાજનોને મન જાણે આપણા
            જીવન નો પાલનહારે
આવ્યો દિવસ અનેરો
            નેતાજીને આખી રાતનો ઉજાગરો
શિસ્તબધ્ધ ઉભા રહી
            માંગે આપણો સથવારો
અને! નેતા ચુંટાઇ ગયા, જાણે
            રણસંગ્રામ સારો
ભાષણ કરે ! આભાર માને પણ
            મુખમાં રામ બગલમાં છુરી
પણ હરખાતી પ્રજા ના સમજે
            એની દાનત બુરી
ગયો દિલ્હી થયો પ્રધાન સારો
ગરીબ હટાવો, ભષ્ટ્રાચાર વધારો
            થયો એનો નારો
પ્રજાજનો ત્રાહીમામ પુકારે, કહે પુરા
            કરો વેણ તમારો
હે શું? શું? કરતા કહે આવતી
            ચુંટણી વારો.

જુવાની...

જોશ વધ્યો, ઉમંગ વધ્યો, વધી ઇચ્છાઓ મનની
પોતે કશુંક છે તેવું લાગે, અરે! તો છે જવાની

કલ્પના મોટી કરે, સમાજ બદલવાની વાતો કરે
જુવાનીયા ચૌરે ચૌટે, પાન ના ગલ્લે ભેગા મળે

દેશ વિદેશ, ઘરકોલેજ , ગામ શહેરની ચર્ચા કરે
વૃધ્ધ વડીલ અને મોટાને સદા તેઓ ગણકારે

જુના લોકો, જુની વાતો, જુની રીત રસમો ધિક્કારે
અમે પાડીશું નવી કેડીઓ, વૃધ્ધ વિચારે બોલે જવાનીના જોરે

થાશે પાકટ પાન , વળગશે માયા, તેને સંસાર કેરી,
ભુલી જશે વાતોને, સમજશે વૃધ્ધોની કેડી ન્યારી

ખરેખર ! પરણ્યો એને, જે હતી રુપની રાણી
સંસાર સુખી થયો, મન સ્વાર્થી થયું, ભુલ્યો વાતો સારી

ત્યાં લાગી વ્યવહારની ઝંઝાળ, બાળકો કેરી લંગાર
ત્યારે સમજાયું, હું અને મારું ઘર, બીજી વાતો બેકાર

પ્રેમ...

પ્રેમ પ્રેમ પ્રેમ કરે યુવાનીયાઓ
પણ પ્રેમ ના સમજે નવા નિશાળિયાઓ

એક બે મુલાકાત, હાય હેલ્લોમાં અંજાઇ જતા
ભાળ્યુ, ના ભાળ્યુ તેમાં ભરમાઇ જતા

સુર્ય વિનાના આકાશથી પણ અંજાઇ જતા
લૈલા મજનુ’' 'રોમીયો જુલિયટ’' નામ લઇ હરખાઇ જતા

રાત્રે ઉંઘ દિવસે ચેન વિચારોમાં ખોવાઇ જતા
મળ્યા શનિએ, રવિવારે નક્કી કર્યુ
સોમવારે લગ્નમાં બંધાઇ જતા

પુનમ ગઇ, અમાસ આવી ચંદ્ર
દેખાતા અકળાઇ જતા
ભાદરવો જતા, ભિંડી કરમાઇ જતા
ભાન થાય યુવાનને પ્રેમ શબ્દનું
રડીને પછતાઇ જતા....

આશા...

તમસમાં તેજ ને ઝંખી ચાલતો હું
વિકરાળ વનમાં ખોફ ગર્જના સાંભળતો હું
ભર્યુ મેં પગલું આશા ભર્યુ
તેજ પુંજ પામતો હું.
૨૮/૦૭/૧૯૮૭.

કુદરતની બલિહારી...

ભુલ કરતો હું માણસને પ્રેમ કરી
અપરાધ થતો વારે ઘડી
પોતાના ઠુકરાવતા મને મુર્ખ ગણી
તેઓ દુખી થઇ આવતા મારે ભણી
મદદ કરતો તેમને મારા ગણી
સુખમાં કિમંત તેમને મારી કરી
મળતા રાહમાં, તેઑ બદલતા કેડી
હસતો હું મનુષ્યની વિસંવાદી પ્રક્રુતી ભણી
હેં ઇશ્વર ! તારી મેં, તે બલિહારી ગણી
ઝુઠા જગતથી મારી દ્ર્ષ્ટી વળી

અદ્વિતીય પ્રેમ ..

પ્રેમ વિના નથી દુનિયા કાંઇ
પ્રેમ તેનો (દુનિયા) આધાર ભાઇ
પ્રેમને પામવા પ્રેમ કર
પ્રેમ વડે પથ્થર પીગળે
પ્રુથ્વીને શોભાવવા ખીલ્યું રુપાળુ
પુષ્પ એક પ્રેમ કેરું
પ્રેમને સબંધમાં વણાય
પ્રેમને કાંઇ નામ અપાય
પ્રેમ વાસનાથી ના ગુંથાય
પ્રેમ લાગણીથી પોષાય
પ્રેમ અદ્વિતીય
પ્રેમ વડે પ્રેમ પમાય

સમાધાન...

કિસ્મતમાં મળ્યા તમે, અમે ભુલતા શીખ્યા
મળતા સફળતા માર્ગ પર, બદલતા શીખ્યા

આભાર તમારો આભાર, સંજોગોનો કે મળ્યા તમે
કે દુનિયાના લોકો, પરખતા શીખ્યા અમે

વજ્ર્પાત સહન કરી, શકીશું હવે અમે
બેવફાઇના પર્વત, ઉંચકતા શીખ્યા અમે

હાય કિસ્મત ! મેળવતા, પહેલા ખોઇ દીધુ અમે
પણ વાંધો નહી સમાધાન, કરતાં શીખ્યા અમે

પંતગિયુ...

આશ છે, પતંગિયાને,
            દૂરથી જોઇ ખિલેલું પુષ્પ
મળશે મને, ત્યાં અમ્રુત,
            સુમન મદમસ્ત
હસતા પુષ્પને જોઇ,
            તેને સંવેદના ખોઇ
પહોચ્યું પાસે હરખાતું,
            પણ બિચારું પછતાતુ
અફસોસ ! આધુનિક પુષ્પમાં,
            અમ્રુત હોય કોઇ દી.

અરમાન અમારા...

દિલ મહી અરમાન ઘણા અમારા
ટુટી પડ્યા કલ્પનાના મિનારા
તમે બન્યા પારકાના સહારા
બિચારા અમે થયા નોંધારા

હજી પણ દિલમાં અરમાન અધુરા
ભુલી શકીએ તમને પુરેપુરા
ખ્વાબોમાં આવો, છો બીજાના સહારા
દિલ દર્પણમાં નથી કાંઇ, બસ હતાશાના ચુરેચુરા.

હિમાંશુ મજમુદાર (યુએસએ)ની રચનાઓ

કિલકારી - સમય ચક્ર


મંદ મંદ સમીર વહેતો લેયી જાગ્રત પુષ્પો નો ઉછંગ
ઢંઢોળતો સહજ સુતેલા શમણાઓ ને
સુંદર નગર ની શાંત સવારને માનો
ફોરમતો રસિક અસીમ અનંત  ઉમંગ.

ઉદ્યાન માં રમતા વિસરેલા પંખીઓ સાથે
વિચરતા રસિક ભ્રમર - પતંગ રમી રહ્યા ફૂલ કીટ સંગ
વિશાલ એવા વૃક્ષ ને માણી રહ્યા જાણે
વડીલ સમ વૃક્ષ નીરખી રહ્યો કુદરત કેરો રંગ.

ઘેરી ઘટા ની છાયામાં ક્યારેક પામર લંબાવે અંગ
પરાપૂર્વ થી પક્ષી પશુ જમાવી રહ્યા છે
છત્ર  એવી એની છાયા માં અનોખી શ્રુષ્ટિ વિકસતી
વડીલ જોતા જોવે સહુ આનંદ અંતરંગ.

અરે! શું થાય વૃક્ષ વડીલ ને અચાનક
લગાર અટકીને જુવે નીરખે સમય ખચકાયો
વડીલ ઢળતા ચિર પોઢતા સ્તબ્ધ સમીર કીટ પતંગ
આતે સત્ય કે શમણું હવે થાશે શું આપણી સંગ?

ફુલ છોડ ભ્રમર નીરખી રહ્યા ભંગ વૃક્ષ અભંગ
નિરાશા ઘેરાયી ત્યા વિમાસણ કોણ સમાવશે સંગ?
ગુંજી એક કિલકારી નીચે શિશુ સમ છોડ નવો એક ખીલ્યો
મંદ મંદ સમીર લાગ્યો વહેવા ફરી સ્મિત કરી

લયી નવી સુગંધ ફરી ફેલાવતો આનંદ
સમત્વ પ્રસરી રહ્યું જ્યાહરે
આશા અંતરે જાગી ત્યાહરે
ભ્રમર કીટ પતંગે ફરી પુષ્પો સાથે  છેડી પ્રીત કેરી જંગ.


નાવ

અંતરે ઉઠે એક ઊર્મિ બનું રે બનું હું એક નાવ
નાકોઇ આપણું ના પરાયું ના દુશ્મન કોઈ દોસ્ત,
નાવિક કહે તેને ત્યાંથી વહાવું સામે પાર,
રાવણ હોય કે રામ મને કોઈ ના નફરત ના ભાવ.

નીચે ડૂબું બદન અંતરે લાગે મુજને લગીર ના તાવ
ગુહક ચાહે ચરણ પ્રસાદી, મને ના કોઈ દરકાર
કોઈ પથ્થર કોઈ છત્તર કોઈ બુઢ્ઢા કોઈ બાળ
સમય ની પણ નહિ સમતા કર્મ મારો સ્વભાવ.

પાણી સાથે સરસર ખેલું નાં મને કોઈ લગાવ
તે મારું તે તારું એવું ના હું સમજુ
ના મારે કોઈ છે આર ઓવાર
ગંગા હોય કે વિશ્વામિત્રી ભલે હોય વૈતરણી કાળ
મલ્લાહ (-અલ્લાહ) ખેકે બસ ત્યાં લગાવું હર દાવ.


ઉગમણે થી આવ્યા સપના

ઉગમણે થી આવ્યા સપના ચડી સોનેરી વાદળાં ની કોર
સુંદર સારા શુદ્ધ શબ્દ ફોરમે મહેકે છે મન સંગ
જાણે ઉઠું દોડું પકડવા ચડી ચડી ઘોડ ઉમંગ
શ્રેષ્ઠ શુભ્ર સમય સરિતા દોડી પહોચે મારી મોર

સ્વર્ણ છલકે દિલ સ્વપ્નો માં વેહલી સવાર પોહર 
ઉરે ઉઠે સુર ચેતના પોરસાતી હર એક અંગ તરંગ 
શુંષુપ્ત સત્વ જાગ્રત થાતું લાગે જાણે જીવન સંગ
ઉત્તિષ્ઠ જાગ્રત નો પડઘમ ગુંજતો લાગે ચારો ઔર.

ચાલો નીકળીએ જંગ જીતવા કહેતો સમીર કરી જોર 
આંખો ના પટલો ની અંદર ઉઠે જાગે અજાયબ રંગ 
ધીમે સરતી પ્રકાશ સરવાણી કહેતી સંભાળો જરા ઢંગ
અસીમ અનેરો અનંત આત્મા ચાલ્યો બનવા ફરી કિશોર.

તો મજા પડી જાય!

આવું કાંક થાય તો મજા પડી જાય, મેહુલીયો ઝરમર વરસી જાય,તો મજા પડી જાય.હવે બહુ થયું,  વાદળો જરા વીખરાય, તો મજા પડી જાય.સોડમ સરસ  પકવાનો ની, થોડા ઘણા મળી જાય તો મજા પડી જાય,હવે નથી ખવાતું તો પણફરી ફરી મળી જાય 
તો મજા પડી જાય.ભલે ભણવા માં ધ્યાન નથી તોયે,સરસ પાસ થઇ જવાય તો મજા પડી જાય.પ્રતિભા ની તો મને કઈ ખબર નથી પણ.કોઈક ઓળખી જાય તો મજા પડી જાય.આમ તો હું સાધારણ પણ, કોઈ અસાધારણ કહી જાય તો મજા પડી જાય.અંબાણી,તાતા કે ગેટ્સ કોઈ એમ કહે ને
મને ઓળખી જાય તો મજા પડી જાય.સૂર્ય કિરણો નું સોનું અને ચંદ્ર ની ચાંદી
બાથ માં મળી જાય તો મજા પડી જાય
સ્વાતી બિંદુ અમૃત દરેક છીપ માં મળી જાય
મોતી વીણવા ની તો મજા પડી જાય.આમ તેમ ભટકતો હું ફરતો રહું
ફકીર બની વિચરતો રહું.એમજ ક્યાંક અમથોજ માલિક મળી જાય 
તો મજા પડી જાય.


તાલ, લય વગર નું કવિત।
મળ્યું તેટલુ ગણ્યું તોળ્યું માપ્યું અને પછી  તેને કાપ્યું,પામ્યા ની ગણત્રી કરી નહી , ગણ્યું તે તો ના  મળ્યું।
મળ્યું તે કદિ ના વખાણ્યુ, રહી ગયું તેનુજ ગાણું ગાયું,મસ્તી થી ના ઉજવ્યું મળતર, ખૂટ્યા માં  દુખડું સમાયું 
સમજો જરા જુવો ફરી ચારે ઓર ,સુખ વ્યાપ્યું સમસ્ત માં, સુખ આપણી મોર .જે જાણે તેણે જાણ્યુ ક્યાં પડે છે સુખ નું પહોર,જોયું જીવ માં, જરા જોર કરી ચાવી, મ્હ્યાયલી કોર.કાજ થયા, કાજ મળ્યા, કાજ ની છે મન માં ચટકી, થયું ને  રહ્યું તે વિટમબણા માં મતિ ભટકી।
કર્યું કરતા કરત, થયું કરતા થાત અને હયાત એથી વિશેષ હતું,મુજ જેવા ને તુજ જેવા કઈ આવી ને ગયા, જો  દુનિયા અટકી?


    આવ્યો।

    આવ્યો।
લહેરાતો મલકાતો આવ્યો, ટીલડી ચાંદ સિતારો આવ્યો। 
જોરે ઝર ઝર્ કરતો આવ્યો, શિરે સર સર સરતો આવ્યો।
આડા અવળા ગોથા ખાતો, ઉતરતો ને ચઢતો આવ્યો।

કાળો, સફેદપચરંગી પીળો , ભૂરો લીલો લાલ આવ્યો। 
માથે ને પુછડીઓ આવ્યો, ઢાંચ, ચીલ અડધિઓ આવ્યો। 
માર મલક ને કરતો આવ્યો, વાદળો ને અડતો આવ્યો।
સુરજ સલામ કરતો આવ્યો, વાયુ ની વાતો માં આવ્યો. 

ઝાડોમાં અટવાતો આવ્યો,આકાશે ખચકાતો આવ્યો। 
આને એને અડતો આવ્યો, કિન્ના કમાન કરતો આવ્યો।
ઢીલો ને ખેચાતો આવ્યો, કરો પેચ પતાવી આવ્યો। 
કાપી ને લપટાવી લાવ્યો, એને તો ઉપાડી આવ્યો। 
ખુદ ડૂબી તરાવી લાવ્યો, મનડા મોજ કરાવી આવ્યો। 

દોરી સાથે ઝોળા ખાતો લુટતો ને લુટાતો આવ્યોં।
હસતા ને રમાડી આવ્યો, રડતા ને હસાવી આવ્યો।
-    આવ્યો।- 



1 comment:

  1. છંદમાં લખેલ કવિતાઓ હોય તો અપલોડ કરવા વિનંતી.

    ReplyDelete